edible oil :
તમે બજારમાં ખાદ્યતેલ ખરીદવા જાઓ છો ત્યારે 5 લીટર કે 15 લીટર તેલનો ડબ્બો ખરીદો છો.
નવા સમજીને લાવેલા એ ડબ્બા ક્યાંક જૂના તેલના ડબ્બા તો નથી ને એ ચકાસવું જરૂરી છે.
કારણ કે હવે જૂના તેલના ખાલી ડબ્બામાં જ નવું તેલ પેકેજિંગ કરી વેચાણ કરવાની વેપારીઓ ચાલાકી કરી રહ્યા છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમોનું ઉલ્લંઘન કરનાર 200 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
જ્યારે હજુ 400 વેપારીઓની તપાસ ચાલુ છે.
ગુજરાત ઓઇલ રિફાઇનર્સ એસોસિયેશનના મતે ખાદ્ય તેલોના પેકેજિંગમાં અગાઉ વપરાયેલા જૂના ડબ્બા ઉપયોગમાં
લેવાની ગેરરીતિને નાથવા માટે અને સુરક્ષિત પેકેજિંગ પદ્ધતિઓને ઉજાગર કરવા અને ગ્રાહકોમાં વધુ જાગૃતતા લાવવી જરૂરી છે.
ગ્રાહકોના અધિકારો અંગે જાગૃતતા ફેલાવવા માટે દર 24મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે.
ગુજરાત ઓઇલ રિફાઇનર્સ એસોસિયેશનના સેક્રેટરી સ્નેહલ પટેલે જણાવ્યું કે, ઉત્પાદકોએ પેકેજિંગ ધોરણોનું પાલન કરવું જ જોઈએ
અને ગ્રાહકોએ ખાદ્ય તેલ ખરીદતી વખતે સજાગ રહેવું જોઈએ. લોકોનું આરોગ્ય સાચવવા માટે સુરક્ષિત પેકેજિંગ મહત્વનું છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ) અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ
એડમિનિસ્ટ્રેશન (એફડીસીએ)ના પ્રયાસો છતાં નિયમોનો ભંગ થઈ રહ્યો છે.
પેકેજિંગના નિયમોના ભંગ બદલ સમગ્ર ગુજરાતમાં 200થી વધુ ઉત્પાદકો,
મિલર્સ અને રિ-પેકર્સને કાયદેસરની નોટિસ ફટકારી છે અને તે ઉપરાંત 400થી વધુ કેસો હાલ તપાસ હેઠળ છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ પેકેજિંગ રેગ્યુલેશન, 2018 હેઠળ ફૂડ પેકેજિંગ માટે ડબ્બાના પુનઃવપરાશ પર પ્રતિબંધ મૂકતી સ્પષ્ટ
માર્ગદર્શિકાઓ હોવા છતાં અમદાવાદ, સાણંદ, મહેસાણા, સુરત અને રાજકોટ આ ઉલ્લંઘનના મોટા કેન્દ્રો સામે આવ્યા છે.
ફરીથી વપરાશમાં લેવાતા ડબ્બામાં હાનિકારક દૂષક તત્ત્વો હોય છે જે ખાદ્યતેલમાં ભળી શકે છે.
આ દૂષક તત્ત્વો ખોરાકજન્ય બીમારીઓ, એલર્જિક રિએક્શન અને પાચનતંત્રની સમસ્યાઓ સહિત આરોગ્ય સામે ગંભીર જોખમો ઊભા કરે છે.
ગુજરાત એફડીસીએએ નિયમોનો ભંગ કરનારા પર ચાંપતી નજર રાખવા અને
આવા લોકો સામે કડક પગલાં લેવા તેના જિલ્લા સ્તરના અધિકારીઓને નિર્દેશો પણ આપ્યા છે.